2024માં સ્ટાર કલાકારોએ નહીં પણ નવોદિત અભિનેતાઓએ હરણફાળ ભરી

2024માં સ્ટાર કલાકારોએ નહીં પણ નવોદિત અભિનેતાઓએ હરણફાળ ભરી

2024માં સ્ટાર કલાકારોએ નહીં પણ નવોદિત અભિનેતાઓએ હરણફાળ ભરી

Blog Article

વર્તમાન વર્ષ 2024 હવે જ્યારે પૂર્ણ થવા જઇ રહ્યું છે ત્યારે તેના લેખા-જોખા થઇ રહ્યા છે. આ વર્ષ બોલીવૂડ માટે ઘણું ચડાવ-ઉતારભર્યું રહ્યું છે. નાની ફિલ્મો ધારણા કરતા વધારે સારી ચાલી ગઈ, તો મોટા બજેટની ઘણી ફિલ્મો સુપર ફ્લોપ ગઇ છે. સાથે જ આ વર્ષ સુપર સ્ટાર કલાકારો માટે પણ નબળું જ રહ્યું છે. ગત વર્ષથી સંપૂર્ણ વિપરીત પરિસ્થિતિ ઊભી થઇ હતી, જેમાં ‘સ્ત્રી 2’, ‘લાપતા લેડીઝ’ અને ‘મુંજ્યા’ જેવી ફિલ્મો સુપર હિટ ગઇ હતી.

યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે આ વર્ષે ‘જિગરા’માં એક્શન ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સ્ટંટ કર્યા અને ગુંડાઓ સાથે લડી, પોતાના ભાઈને બચાવવા માટે બહાદુર બંકાના રોલમાં હતી. પરંતુ આટલું તેની ફિલ્મને સફળ બનાવવા અને દર્શકોને સિનેમા સુધી ખેંચી લાવવા પર્યાપ્ત નહોતું. આ ફિલ્મ જે દિવસે રિલીઝ થઈ એ જ દિવસે રાજકુમાર રાવની ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’ રિલીઝ થઈ અને તે કમાણીમાં આગળ નીકળી ગઈ. ત્યારે એટલું આશ્વાસન રહ્યું છે કે જો આલિયાની ફિલ્મને સોલો રિલીઝ મળી હોત તો કદાચ વધારે સારો બિઝનેસ કર્યો હોત.

અક્ષયકુમાર માટે આ વર્ષ નિષ્ફળ ગયું છે. અક્ષયકુમાર હંમેશા એક વર્ષમાં બે-થી ત્રણ ફિલ્મો કરે છે. આ ફિલ્મો એક જ વર્ષમાં એક પછી એક રિલીઝ પણ થતી રહે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે આ અંગે અમિતાભ બચ્ચને આપેલી સલાહની પણ વાત કરી હતી. પણ આ વર્ષ અક્ષય માટે એવું રહ્યું કે, તેણે થોડું અટકીને મનોમંથન કરવાની જરૂર છે. 2024માં તેની ત્રણ ફિલ્મો આવી અને 2 ફિલ્મોમાં તેણે મહેમાન કલાકારનો રોલ કર્યો હતો. તેની મહેમાન ભૂમિકા વાળી બંને ફિલ્મો ‘સ્ત્રી 2’ અને ‘સિંઘમ અગેઇન’ તો સારી ચાલી પરંતુ તેનો લીડ રોલ હતો એ બધી ફિલ્મો ફ્લોપ ગઈ. ‘બડે મિયાં છોટે મિંયા’, ‘ખેલ ખેલ મેં’ અને ‘સરફિરા’ ભેગા થઇને કુલ 130.62 કરોડ માંડ કમાઈ શક્યા. તેમાં પણ ‘બડે મિંયા છોટે મિંયા’ તો ખૂબ મોટા બજેટ સાથે બની હતી, જે બિલકુલ ચાલી નહીં.

રિતિકની ‘ફાઇટર’ફિલ્મની રાહ તો આતુરતાપૂર્વક જોવાતી હતી. કારણ કે આ ફિલ્મમાં રિતિક અને દીપિકા પહેલી વખત એકસાથે જોવા મળવાનાં હતાં. શાહરુખ સાથે ‘પઠાણ’ જેવી સફળ ફિલ્મ આપનાર સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બિલકુલ ન ચાલી અને સિદ્ધાર્થે તેની પાછળ જે વિચિત્ર કારણ આપ્યું તેણો વિવાદ જગાવ્યો. સિદ્ધાર્થે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “આપણા દેશની 90 ટકા જનતા ક્યારેય પ્લેનમાં બેઠી નથી. તેમણે ક્યારેય એરપોર્ટ જોયું નથી, તેથી તેમને ખબર જ ન પડી કે ફિલ્મમાં શું બની રહ્યું છે.”

આ વર્ષ અજય દેવગન, કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ માટે થોડું અપવાદરૂપ રહ્યું છે. અજયની ‘શૈતાન’ સારી ચાલી તો ‘મૈદાન’ ખાસ ન ચાલી. જ્યારે ‘સિંઘમ અગેઇન’ કાર્તિક આર્યનની ‘ભુલભુલૈયા 3’ સાથે ટક્કર છતાં હિટ રહી. કરીનાના પણ આ ફિલ્મમાં વખાણ થયા, સાથે તેની ‘બકિંગહામ મર્ડર’માં તેના વખાણ તો થયાં પણ ફિલ્મ ચાલી નહીં. તે બોક્સ ઓફિસ પર માત્ર રૂ. 15.84 કરોડમાં સમેટાઈ ગઈ. જ્યારે દીપિકાની ‘કલ્કિ 2898 એડી’ અને ‘સિંઘમ અગેઇન’ તો હિટ રહી પરંતુ ‘ફાઇટર’માં તેને પણ રિતિકની જેમ નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડ્યો.

Report this page